Rajkot News: રાજકોટમાં એક જ દિવસમાં હાર્ટએટેકથી 3 મોત, યુવતીને ચકડોળમાં બેઠા બેઠા એટેક આવી ગયો
Rajkot News: રાજ્ય સહિત દેશભરમાં અચાનક યુવાનોમાં હાર્ટ એટેકથી મોતની ઘટનાઓ સામે આવી રહી છે. ક્યારેય જમતા જમતા તો ક્યારેક મેદાન પર જ યુવાઓ ઢળી પડે છે અને મોતને ભેટે છે. આ વચ્ચે રાજકોટમાં જન્માષ્ટમીના પર્વ પર 3 લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. જેમાં બે યુવકો અને એક યુવતીનો સમાવેશ થાય છે.
મેળામાં ગયેલી યુવતીને ચકડોળમાં એટેક આવ્યો
રાજકોટના જેતપુરની યુવતી અંજનાબેન ગોંડલીયા નામની 20 વર્ષની યુવતી જેતપુરમાં મેળામાં ગઈ હતી. અહીં લોકમેળામાં યુવતી ચકડોળમાં બેઠી હતી આ દરમિયાન જ તેને હાર્ટ એટેક આવી ગયો અને અચાનક ચક્કર આવવા લાગ્યા. યુવતીને સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ જોકે તે બચી શકી નહોતી. આથી પોસ્ટમોર્ટમ માટે તેના મૃતદેહને સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. તહેવાર સમયે જ યુવતીનું અચાનક મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ખાસ છે કે યુવતીની થોડા સમય પહેલા જ સગાઈ થઈ હતી.
જન્માષ્ટમીના કાર્યક્રમમાં ડેકોરેશન કરતા મોત
અન્ય ઘટનામાં રાજકોટમાં 25 વર્ષના જતીન સરવૈયા નામના યુવકનું હાર્ટ એટેક આવતા મોત થયું હતું. રાજકોટના જુના માર્કેટિંગ યાર્ડ પાસે વીર હનુમાનજી ચોક પાસે જન્માષ્ટમીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો અને યુવક ડેકોરેશનનું કામ કરી રહ્યો હતો. દરમિયાન અચાનક યુવકને છાતીમાં દુઃખાવો શરૂ થઈ ગયો આથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જોકે તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આશાસ્પદ યુવકના અચાનક મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
ઘરમાં બેઠેલા યુવકને એટેક આવ્યો
તો રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં પણ હાર્ટ એટેકથી 26 વર્ષના વિજય મેઘનાર્થી નામના યુવકનું મોત થઈ ગયું. જેતપુરના પંચવટી વિસ્તારમાં રહેતો વિજય ઘરમાં હતો ત્યારે જ તેને હાર્ટ એટેક આવ્યો અને મોત થઈ ગયું. યુવાનને હોસ્પિટલ લઈ જવાતા ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.