અમરેલીમાં BJPના મહિલા નેતાની હત્યા મામલે 3 આરોપીઓની ધરપકડ, કઈ બાબતે થયો હતો ઝઘડો?
Amreli News: અમરેલી જિલ્લાના ધારીમાં ભાઈબીજના દિવસે જ ભાજપના મહિલા નેતાની હત્યા થઈ ગઈ. પાડોશી સાથે થયેલી તકરારમાં ખેલાયેલા આ ખૂની ખેલમાં તલવારના ઘા મારીને ભાજપ નેતા મધુબેન જોશીની હત્યા કરી નખાઈ, જ્યારે તેમનો પુત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો. હત્યાના આ બનાવમાં પોલીસે ત્રણ શખ્સોની હાલ ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કઈ બાબતે થઈ હતી બોલાચાલી?
લોહીયાળ ઘટના અંગે ભાજપ નેતા મધુબેન જોશીના પુત્ર હિતેશે જણાવ્યું હતું કે, 3 આરોપીઓમાંથી 1 સાથે તેના ભાઈને અગાઉ ફટાકડા ફોડવા અંગે સામાન્ય બોલાચાલી થઈ હતી. મારો ભાઈ સાંજે જઈ રહ્યો હતો ત્યારે આરોપીઓએ કાર ચડાવીને તેને મારવાનો પ્રયાસ કર્યો હતો. આથી માતા અને ભાઈ તેમને ઠપકો આપવા ગયા હતા. આ સમયે ત્રણેયે તલવારથી માતા અને ભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો, અને હાથ કપાઈ જતા માતાનું મોત થઈ ગયું, જ્યારે ભાઈ સારવાર હેઠળ છે. માસીના દીકરાની પણ હાથની આંગળીઓ કપાઈ ગઈ છે.
બે આરોપીઓ હોસ્પિટલમાં
હાલમાં પોલીસે હુમલો કરનારા ત્રણેય આરોપીઓને ઝડપી લીધા છે. જેમાંથી બે આરોપીઓને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાથી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. જ્યારે અન્ય એક આરોપીને પોલીસ કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો છે.

CMનો આજે અમરેલીમાં કાર્યક્રમ
ખાસ છે કે અમરેલીના દૂધાળામાં આજે જળ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં CM ભૂપેન્દ્ર પટેલ તથા સુરતના ઉદ્યોગપતિ અને રાજકીય અગ્રણીઓ આવવાના છે, જોકે આ પહેલા જ ધારીમાં લોહીયાળ ખેલ ખેલાતા ચકચાર મચી ગઈ હતી.