ગોધરા-દાહોદ હાઈવે પર બે બસનો અકસ્માત, પૂર ઝડપે આવતી બસે ઊભેલી લક્ઝરીને ટક્કર મારતા 4નાં મોત
Godhra Accident: પંચમહાલના ગોધરા હાઈવે પર મંગળવારે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. બે ખાનગી બસ વચ્ચેના અકસ્માતમાં 4 લોકોના મોત થઈ ગયા, જ્યારે 11 લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા. અમદાવાદથી ઈન્દોર જતી ખાનગી લક્ઝરી બસ ખરાબ થતા રોડ પર ઊભી હતી, ત્યારે જ અચાનક પાછળથી આવતી બસ ધડાકાભેર તેની સાથે અથડાઈ હતી. અકસ્માતની જાણ થતા જ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
લક્ઝરી ખરાબ થતા રિપેર કરવા ઊભી રાખી હતી
વિગતો મુજબ, અમદાવાદથી ઈન્દોર જતી ખાનગી લક્ઝરી બસમાં ખામી સર્જાતા હાઈવે પર જ ઊભી રાખીને રિપેર કરવામાં આવી રહી હતી. આ સમયે અચાનક પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી ખાનગી બસે પાછળથી ટક્કર મારી હતી. જે બાદ ચાલકે બસનો કાબુ ગુમાવતા રોડની બાજુના ખાડામાં તે ખાબકી હતી. તો બસની ટક્કરમાં ઊભેલી લક્ઝરી બસના પાછળના ભાગે બેઠેલા 4 મુસાફરોના કરુણ મોત નિપજ્યા હતા. મૃતકોમાં બે બાળકો, એક મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે, જ્યારે 11 જેટલા મુસાફરોને ઈજા પહોંચી હતી, જેમાંથી બેની હાલત ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે.

ઈજાગ્રસ્તોને ગોધરા સિવિલમાં ખસેડાયા
અકસ્માતની માહિતી મળતા જ પોલીસનો કાફળો સ્થળ પર દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્તોને બસમાંથી બહાર કાઢીને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં એક બાળક અને બે મુસાફરોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.