Surat સિવિલમાં કોરોના કરતા ભયાનક સ્થિતિ, બેડ ખુટી પડતા દર્દીઓને નીચે સુવડાવી સારવાર
સુરત : સિવિલ હોસ્પિટલમાં હાલ દર્દીઓનો જે પ્રકારે ઘસારો જોવા મળી રહ્યો છે તેના પગલે સારવાર આપવા માટે હવે નીચે ગાદલાઓ પાથરીને સારવાર કરવામાં આવી રહી છે. જેના કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરત સિવિલ હોસ્પિટલના RMO એ જણાવ્યું કે, આ સીઝનમાં રોગચાળાને કારણે દર્દીઓનો ધસારો વધારે છે. જેના કારણે આવું બન્યું હોઇ શકે છે. જો કે તત્કાલ અન્ય વોર્ડમાં વ્યવસ્થા કરાઇ હોવાનો લુલો બચાવ પણ કર્યો હતો.
સુરતમાં છેલ્લા બે મહિનાથી રોગચાળાની સ્થિતિ ખુબ જ ગંભીર
સુરતમાં છેલ્લા બે મહિનાથી રોગચાળો વકર્યો છે. છેલ્લા બે મહિનાથી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. ઙસિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઇનો લાગે છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટેના બેડ ખુટી પડતા નીચે સુવડાવીને સારવાર કરવામાં આવી રહી છે. સુરત સિવિલ હોસ્પિટલના RMO કેતન નાયકના અનુસાર દક્ષિણ ગુજરાતમાંથી દર્દીઓ આવે છે. રોગચાળાને કારણે ખુબ જ મોટા પ્રમાણમાં દર્દીઓને કારણે અવ્યવસ્થા સર્જાઇ છે.
રોગચાળાને કારણે અત્યાર સુધીમાં કુલ 37 લોકોનાં મોત થઇ ચુક્યા છે
ચોમાસા દરમિયાન ઝાડા-ઉલટી, મેલેરિયા, ડેન્ગ્યુ, ટાઇફોડ, કોલેરા સહિતના કેસોના પગલે પાલિકાના આરોગ વિભાગ દ્વારા પણ કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના સ્લમ વિસ્તારોની સ્થિતિ ખુબ જ દયનીય છે. રોગચાળાને ડામવા માટે કોર્પોરેશન દ્વારા સતત કામગીરીના દાવા કરવામાં આવી રહ્યા છે. સતત મોનિટરિંગના દાવાઓ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 37 લોકોનાં મોત થયા છે. ડીબી ડિજીટલના અહેવાલ મુજબ હાલ સુરત સિવિલ હોસ્પિટલમાં સ્થિતિ ખુબ જ દયનીય છે.
