ગુજરાતમાં ખનન નો વિરોધ કરનાર આધેડ પર માફિયાઓએ બુલડોઝર ફેરવી દીધું
અમદાવાદ : શહેરના ગ્રામ્યના કણભામાં બેફાન બનેલા ખનન માફીયાઓ બિનકાયદેસર ખનનો વિરોધ કરનારા એક આધેડ પર JCB ફેરવી નાખતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ અંગે પોલીસે ગુનો દાખલ કરીને બે આરોપીઓની ધરપકડ કરી છે. ખનન માફિયાઓ કેટલા બેખોફ બન્યા છે કે તેમને સરકાર, અધિકારી કે કોઇનો પણ ડર નથી.
અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા કણભા પોલીસ સ્ટેશનના કુહા ગામની ગોચર જમીન પર ખનન માફિયાઓ દ્વારા બિનકાયદેસર રીતે માટીનું ખનન ચાલી રહ્યું હતું. જેનો 52 વર્ષીય કાંતીજી બારૈયા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જેથી ખનન માફિયાનો ઇગો હર્ટ થઇ ગયો હતો. તેણે તત્કાલ જ કાંતીજી પર જેસીબીથી હુમલો કર્યો હતો. આ ઘટનામાં કાંતીજી સાથે હાજર એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જ્યારે કાંતીજીનું મોત નિપજ્યું હતું.
જો કે આપણી બહાદુર પોલીસે ડ્રાઇવર વિપુલ કલારા અને ક્લિનર જીતમલ મહિડાની જ ધરપકડ કરી છે. જ્યારે આ બંન્ને તો ડ્રાઇવર અને હેલ્પર હતા. પરંતુ તેમને આટલી શક્તિ આપનારા ખનન માફીયાને કોઇ આંગળી પણ નહી અડાડે. હાલ તો પોલીસે 2 વિરુદ્ધ ગુનો નોંધી વધારે તપાસ આદરી છે. જેમાં હીરા લામકા અને પુત્ર અક્ષય લામકાનું નામ સામે આવ્યું છે. જો કે પોલીસ તેમાં કોઇ કાર્યવાહી કરે છે કે કેમ તે તો હવે સમય જ કહેશે. બાકી પોલીસનો ડર હવે દારૂ વેચતો વ્યક્તિ હોય કે કોઇ પણ બિનકાયદેસર કામ કરતી વ્યક્તિના મનમાં રહ્યો નથી.
