Ahmedabad News: ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે ખેલાયો લોહિયાળ ખેલ, પિતા-પુત્રની ઘાતકી હત્યા
Ahmedabad News: અમદાવાદમાં ફરી એકવાર હત્યાનો બનાવ બન્યો છે. ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતમાં પિતા-પુત્ર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ચાર શખ્સોના હુમલામાં ગંભીર રીતે બંને ઈજાગ્રસ્ત થઈ ગયા બાદ પિતાનું આખરે મોત નિપજ્યું છે. જ્યારે પુત્ર હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે. સમગ્ર મામલે રામોલ પોલીસે ગુનો નોંધીને હત્યારાઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
4 શખ્સોએ પિતા-પુત્ર અને પરિવાર પર હુમલો કર્યો
વિગતો મુજબ, શહેરના રામોલ વિસ્તારમાં આવેલી સોમનાથ સોસાયટીમાં વિજયશંકર અને બંસીલાલ નામના પિતા-પુત્ર તથા ભત્રીજા પર એક જ પરિવારના દિપક મરાઠી સહિત 4 શખ્સોએ ફટાકડા ફોડવા બાબતે હુમલો કર્યો હતો. છરી વડે કરેલા આ હુમલામાં વિજયશંકર અને બંસીલાલનું કરુણ મોત થઈ ગયું હતું. એક બાજુ સમગ્ર સોસાયટીમાં રહીશો ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરી રહ્યા હતા, ત્યાં જ પિતા-પુત્રની હત્યા કરીને ખૂની ખેલ ખેલાયો હતો.
તહેવારમાં જ પિતા-પુત્રના મોતથી પરિવારમાં આક્રંદ
દીવાળીના તહેવારમાં જ પિતા-પુત્રનું મોત થઈ જતા પરિવારમાં આક્રંદ છે. તો સોસાયટીના રહીશો પણ સ્તબ્ધ થઈ ગયા છે. તહેવાર ટાણે જ પરિજનોના નિધનથી પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયો છે.
