Ahmedabad News: ઘાટલોડિયામાં લગાવાયેલા ટાયર કિલર બમ્પ કેટલા લાખમાં પડ્યા? સામે આવ્યો ખર્ચ
Ahmedabad Chanakyapuri Area News: અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં થોડા સમય પહેલા રોંગ સાઈડથી આવતા વાહન ચાલકોને રોકવા માટે ટાયર કિલર બમ્પ લગાવાયા હતા. જોકે તેમ છતાં લોકો તેના પરથી રોંગ સાઈડમાં જતા હતા. ટાયર કિલર બમ્પ થોડા દિવસોમાં ખરાબ પણ થઈ ગયા હતા, જેના પરથી તે બિનઅસરકારક હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હવે મ્યુનિસિપલ કોર્પોરેશન આ ટાયર કિલર બમ્પ માટે કોન્ટ્રાક્ટરને 12.53 લાખ રૂપિયા ચૂકવશે.
કોન્ટ્રાક્ટરને ચૂકવાશે 12 લાખ રૂપિયા
વિગતો મુજબ, ટાયર કિલર બમ્પના પૈસા ચૂકવવા માટે રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી, જેને મંજૂર કરવામાં આવી છે. જેથી ટાયર કિલર બમ્પ ઈન્સ્ટોલ કરનાર કોન્ટ્રાક્ટર લક્ષ્મી ગ્રામોદ્યોગ મંડળને રૂ.12.53 લાખ રૂપિયા હવે ચૂકવવામાં આવશે. આ કંપનીએ જ ચાણક્યપુરીમાં ઘાટલોડિયા ઓવરબ્રિજની બાજુના રોડ પર ટાયર કિલર બમ્પ લગાવવાની કામગીરી કરી હતી.
ખાસ છે કે, ટાયર કિલર બમ્પનો પ્રયોગ નિષ્ફળ સાબિત થયો હતો. બમ્પ હોવા છતા લોકો તેના પરથી વાહન લઈને રોંગ સાઈડથી જતા કેમેરામાં કેદ થયા હતા. જ્યારે ટાયર કિલર બમ્પની સ્પ્રિંગ પણ વારંવાર બગડી જતા તેને પણ રિપેર કરાવવી પડે છે. ત્યારે AMCનો આ પ્રયોગ પણ પ્રજા માટે સફેદ હાથી જેવો સાબિત થયો છે અને છેલ્લે પ્રજાના ટેક્સના પૈસા જ આમાં વપરાશે.
