CM ભૂપેન્દ્ર પટેલે વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોની સેવાથી કરી વર્ષના પહેલા દિવસની શરૂઆત
Ahmedabad News: વિક્રમ સંવત 2080ની રાજ્યભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. લોકો એકબીજાને નૂતન વર્ષની શુભકામના પાઠવી રહ્યા છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા વર્ષના પ્રથમ દિવસની શરૂઆત વડીલોની સેવા સાથે કરી હતી. મુખ્યમંત્રીએ અમદાવાદના વાડજ ખાતેના વાત્સલ્ય વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી અને વડીલોને ભોજન પીરસ્યું હતું તથા તેમની સાથે બેસીને ભોજન પણ લીધું હતું.
વડીલોને ભોજન પીરસ્યું
આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, દિવાળી અને નૂતન વર્ષનો તહેવાર વૃદ્ધ-વડીલો પણ ઉમંગ પૂર્વક ઉજવી શકે અને તેમના સંતાનો સહિત સૌને તેમના આશિર્વાદ પ્રાપ્ત થાય તેવા આશયથી આ સ્નેહ-ભોજન કાર્યક્રમ કરવામાં આવ્યો છે, જેનો અનેરો આનંદ છે.
ત્યારબાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તમામ વડીલોના આશીર્વાદ લીધા હતા અને ઉપસ્થિત તમામ પોલીસ કર્મીઓ, રેડ ક્રોસ સોસાયટીના ડોક્ટરો તેમજ મીડિયા કર્મીઓને પણ નૂતન વર્ષાભિનંદન પાઠવ્યા હતા.

14 વૃદ્ધાશ્રમમાં સવાર-સાંજનું ભોજન આપશે
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદના જુદા જુદા વૃદ્ધાશ્રમના વડીલો પણ નૂતન વર્ષ દીપાવલીના પર્વમાં સહભાગી થઈને આ દિવસોમાં મિષ્ટાન સહિતનું ભોજન લઈ શકે તેવા ઉદાત ભાવથી મુખ્યમંત્રી તરફથી વિવિધ 14 જેટલા વૃદ્ધાશ્રમોમાં નૂતન વર્ષ દિન નિમિત્તે બપોરનું/સાંજનું ભોજન પણ આપવામાં આવશે.