રાજ્યમાં ગુલાબી ઠંડીનો ચમકારો શરૂ, અમદાવાદ સહિત આ શહેરોમાં તાપમાનનો પારો 20 ડિગ્રીથી નીચે ગગડ્યો
Ahmedabad News: ગુજરાતમાં દિવાળી બાદ ધીમા પગલે ગુલાબા ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. વહેલી સવારે અને રાત્રે ઘણા શહેરોમાં તાપમાનનો પારો ગગડી રહ્યો છે. લોકોને વહેલી સવારે મોર્નિંગ વોક પર જતા ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. નોકરિયાત લોકો સવારે જેકેટ-સ્વેટર પહેરીને જતા જોવા મળે છે. ત્યારે રાજ્યના 5 જેટલા શહેરોમાં તાપમાનનો પારો 20 ડિગ્રી કે તેની નીચે પહોંચી ગયો છે.
18 નવેમ્બર બાદ હજુ વધશે ઠંડી
અમદાવાદમાં તાપમાનનો પારો 18 ડિગ્રીએ પહોંચી ગયો છે, તો સુરતમાં 23 ડિગ્રી અને વડોદરામાં 21 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં 20, કચ્છના નલિયામાં 19 તો બનાસકાંઠામાં 17 અને ડીસામાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અત્યાર સુધીમાં 5 શહેરોમાં તાપમાનનો પારો 20 ડિગ્રી કે તેનાથી ઓછો નોંધાયો છે. રાજ્યમાં આગામી 18 નવેમ્બર બાદ ઠંડી હજુ વધી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના પગલે ઠંડીનો ચમકારો અત્યારથી અનુભવાઈ રહ્યો છે. હવે ઉત્તર-પૂર્વના ઠંડા પવનો શરૂ થતા ઠંડીનો અહેસાસ થશે.
