અમદાવાદમાં ટ્રાફિક પોલીસ અને RTOની કાર્યવાહી, 2 દિવસમાં 16 નોન-ટ્રાન્સપોર્ટ વાહનોને ઝડપી વસૂલ્યો આટલો દંડ
Ahmedabad News: અમદાવાદ RTO અને વસ્ત્રાલ RTOની ટીમે બે દિવસ ડ્રાઈવ યોજી ખાનગી કારને ઓલા, ઉબેર, રેપીડો વગેરેમાં ચલાવતા 16 ચાલકોને ઝડપી રૂ. 99,500નો દંડ વસૂલ્યો છે. આ તમામ લોકોએ બિન કાયદાકીય રીતે મોટર વ્હીલક એગ્રીગેટર ગાઇડલાઇન 2020નો ભંગ કરીને કાયદાનું ઉલ્લંઘન કર્યું હોવાથી તેમની સામે આકરી કાર્યવાહી કરવામાં આવી છે.
RTOએ હાથ ધરી હતી ડ્રાઈવ
RTO દ્વારા ગાઇડલાઇન જાહેર કરવામાં આવી હોવા છતાં શહેરમાં એપ દ્વારા વાહનો રસ્તા પર દોડી રહ્યા છે. એટલે કે અમદાવાદમાં ઓલા, ઉબેર, રેપીડો જેવી કંપની દ્વારા RTOના ધારાધોરણો મુજબ જરૂરી મંજૂરી વિનાના વાહનો ટ્રાન્સપોર્ટ માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે. આ અંગેની જાણ થતાં અમદાવાદ RTO, વસ્ત્રાલ RTOએ અમદાવાદ ટ્રાફિક પોલીસને સાથે રાખીને બે દિવસ 6 અને 7 નવેમ્બરે ડ્રાઈવ યોજી હતી.
16 અનઅધિકૃત વાહનોને કરાયો દંડ
આ બે દિવસની ડ્રાઈવ દરમિયાન RTOએ 16 અનઅધિકૃત વાહનનો ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી રૂ.99,500નો દંડ વસૂલ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે RTOની ડ્રાઈવમાં અમુક વાહન ચાલકો પાસે વીમો, આરસી બુક અને પીયુસી પણ નહોતી.

એગ્રીમેન્ટ ધારાધોરણો પૂર્ણ કરવા જરૂરી
અત્રે ઉલ્લેખનીય છે તે, જો કોઈએ ઓલા, ઉબેર, રેપીડો જેવી કંપની સાથે ટ્રાન્સપોર્ટ સેવામાં જોડાવું હોય તો તેની પાસે અમુક પ્રકારના એગ્રીમેન્ટ ધારાધોરણો પૂર્ણ કરવા જરૂરી છે. જો આમ કરવામાં ન આવે તો તેમની સામે કાર્યવાહી કરીને દંડ પણ ફટકારવામાં આવે છે.