Surat ના નાગરિકો કાયદાકીય રીતે બન્યા જાગૃત! બિનકાયદેસર હાથ ઉપાડનારા કોન્સ્ટેબલને ઢીબી નાખ્યો
સુરત : શહેરમાં પોલીસના ખરાબ દિવસો ચાલી રહ્યા છે. સામાન્ય લોકો પર રોફ ઝાડતા રહેતા પોલીસ કર્મચારી પર હવે જનતાનો રોષ ફાટી નિકળ્યો છે. મેહુલ બોઘરા નામના એક વકીલના કારણે નાગરિકોને પોતાના અધિકારો અંગેની એટલી સમજ આવી ચુકી છે કે, હવે પોલીસના નામે થતી લુખ્ખાગીરીનો નાગરિકો ખુલીને વિરોધ કરી રહ્યા છે. એક સમયે પોલીસનો સામાન્ય કોન્સ્ટેબલ પણ જાણે રાજા હોય તેવા અભિમાનમાં રાંચતો હતો. જો કે હવે નાગરિકોને પણ પોતાના મુળભુત અધિકારો અંગે માહિતગાર થતા કાયદો સાચા અર્થમાં મજબુત બન્યો છે.
સુરતના ઇચ્છાપોર નજીક મોડી રાત્રે અકસ્માત બાદ બબાલ શરૂ થઇ
સુરતના ઇચ્છાપોર બસ સ્ટેન્ડ નજીક મોડી રાત્રે રોફ ઝાડવા માટે પહોંચેલા પોલીસ કોન્સ્ટેબલને પહેલા નાગરિકોની જાગૃતતા અને ત્યાર બાદ રોષનો સામનો કરવો પડ્યો હતો. ક્રાઇમબ્રાંચના સાયબર સેલમાં કામ કરતા કોન્સ્ટેબલનો ભાઇ નોકરીએથી પરત ફરી રહ્યો હતો. દરમિયાન અકસ્માત સર્જાયો હતો. જેથી સ્થાનિકો સાથે ઘર્ષણ સર્જાયું હતું. ત્યાર બાદ ઘટના વણસતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો.

ક્રાઇમબ્રાંચના કોન્સ્ટેબલના ભાઇએ અકસ્માત બાદ રોફ ઝાડવાનું શરૂ કર્યું
ક્રાઇમબ્રાંચના સાયબર સેલમાં કામ કરતા કોન્સ્ટેબલનો ભાઇ રોરો ફેરીમાં નોકરી કરે છે. જે નોકરી પરથી પરત ફરી રહ્યો હતો. દરમિયાન ઇચ્છાપોર પોલીસ સ્ટેશન નજીક અકસ્માત થયો હતો. જેથી સ્થાનિકો સાથે શાબ્દિક ટપાટપી બાદ મામલો વણસ્યો હતો. જેથી અકસ્માત કરનાર વ્યક્તિએ પોતાના ભાઇને ઘટના અંગે જાણ કરી હતી. કોન્સ્ટેબલ અને સાથી કર્મચારી સ્થાનિક પોલીસ સ્ટાફ સાથે ત્યાં પહોંચ્યો હતો.
પોલીસે પોતાની બિનકાયદેસર પદ્ધતી શરૂ કરી પરંતુ જાગૃત નાગરિકોએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું
ત્યાં પહોંચતાની સાથે જ પોતાની જુની આદત અનુસાર રોફ ઝાડવાનું અને વાંક નહી હોવા છતા અકસ્માત કરનારા વ્યક્તિને પહેલા બોલીને અને ત્યાર બાદ હાથ ઉપાડીને મારવાનું શરૂ કર્યું હતું. જેથી મામલો વણસ્યો અને સ્થાનિકોએ પોલીસ કોન્સ્ટેબલને ઢીબી નાખ્યો હતો. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસની ટીમ પહોંચી હતી અને સમગ્ર મામલો શાંત પાડ્યો હતો. એક કોન્સ્ટેબલને ઇજા વધારે થતા તે હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.