ધનતેરસે લોકોએ 27,00,00,000,000 રૂપિયાનું સોનું ખરીદ્યું, ચાંદીના આંકડા પણ ચોંકાવનારા
અમદાવાદ : ધનતેરસના દિવસે સોનું ખરીદવું ખુબ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને જ્વેલર્સને ત્યાં લોકોનાં ટોળેટોળા ઉમટી પડે છે. ઓલ ઇન્ડિયા જ્વેલર્સ એન્ડ ગોલ્ડસ્મીથ ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ પંકડ અરોડાએ જણાવ્યું કે, આજે સમગ્ર દેશમાં સોના-ચાંદી તેમજ અન્ય વસ્તુઓનો લગભગ 30 હજાર કરોડ રૂપિયાનું વેચાણ થયું છે. આજના દિવસમાં માત્ર 27 હજાર કરોડ રૂપિયાનું તો સોનું જ વેચાયું છે. તો બીજી તરફ ચાંદી 3 હજાર કરોડ રૂપિયાની વેચાઇ છે.
41 ટન સોનું અને 400 ટન ચાંદી વેચાયા
એક અંદાજ અનુસાર ધનતેરસના દિવસે સમગ્ર દેશમાં આશરે 41 ટન સોનું જ્યારે 400 ટન ચાંદીના ઘરેણા સિક્કા વેચાયા છે. સમગ્ર દેશમાં લગભગ 4 લાખ નાના મોટા જ્વેલર્સ નોંધાયેલા છે. જેમાં 1.85 લાખ જ્વેલર્સ ભારતીય માનક બ્યૂરોમાં નોંધાયેલા છે. 2.25 લાખ નાના જ્વેલર્સ આ ક્ષેત્રમાં છે. જ્યાં સરકાર હજી પણ BIS લાગુ નથી કર્યું.
લક્ષ્મીજી, ગણેશજી અને કુબેરજીની મુર્તિ અને તસ્વીરો પણ વેચાઇ
આ ઉપરાંત લક્ષ્મીજી, ગણેશજી અને કુબેરજીની મુર્તીઓ પણ મોટા પ્રમાણમાં વેચાયા છે. જેમાં સોના-ચાંદી અને માટીની મુર્તિઓ ઉપરાંત તસ્વીરોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ઝાડુ, હળદરના ગાંઠીયા, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, વાહનો, વાસણ અને રસોઇના સાધનો સહિતની વસ્તુઓનું પણ મોટા પ્રમાણમાં ખરીદ વેચાણ થાય છે.
