Rajkot News: મહિલા કોન્સ્ટેબલે આપઘાત પહેલા 3 પોલીસકર્મીઓ સાથે શું વાત કરી? કોળી સમાજે જાહેર કર્યું ચેટ
Rajkot News: રાજકોટના જેતપુરમાં થોડા દિવસો પહેલા જ પોલીસ ક્વાર્ટરમાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. દયાબેન સરિયા નામના મહિલા કોન્સ્ટેબલે અચાનક આપઘાત કરી લેતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. મહિલા કોન્સ્ટેબલના આપઘાત પહેલા 3 પોલીસકર્મીઓ સાથે વાત કરી હોવાની ચેટ સામે આવી છે. જોકે આ મુદ્દે મૃતક મહિલા કોન્સ્ટેબલને ન્યાય અપાવવા માટે હવે કોળી સમાજના આગેવાનો મેદાને આવ્યા છે.
3 પોલીસકર્મીઓ સાથે મહિલા કોન્સ્ટેબલની થઈ હતી વાત
મહિલા કોન્સ્ટેબલના આપઘાતના 6 દિવસ બાદ પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાનો આક્ષેપ કોળી સમાજના આગેવાનો કરવામાં આવ્યો છે. દયાબેનના આપઘાત પહેલા તેમની સમગ્ર વોટ્સએપ ચેટના પુરાવા પોલીસને સોંપવામાં આવ્યા છે. મહિલા પોલીસકર્મીએ આપઘાત પહેલા જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મનદીપ, અભયરાજસિંહ જાડેજા અને વિપુલ ટીલાળા નામના ત્રણ સાથી પોલીસકર્મીઓ સાથે કરેલી કોળી સમાજના આગેવાનોએ જાહેર કરી હતી. જેમાં તેમણે જોકે પુરાવા આપવા છતાં 3 પોલીસકર્મીઓ સામે કોઈ કાર્યવાહી ન કરાઈ હોવાનો આરોપ લાગ્યો છે.
કોળી સમાજનો પોલીસ પર આક્ષેપ
જેતપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલે ત્રણ કોન્સ્ટેબલના ત્રાસના કારણે આપઘાત કર્યો હોવાનો આરોપ માતા-પિતા દ્વારા કરવામાં આવ્યો છે. આ સાથે કેબિનેટ મંત્રી કુવરજી બાવળિયાએ પણ પરિવાર સાથે બેઠક બાદ તટસ્થ તપાસ માટે સૂચના આપી છે. જોકે છતાં કોઈ કાર્યવાહી ન થતા કોળી સમાજના આગેવાનોએ રોષે ભરાઈને પત્રકાર પરિષદ કરી હતી. 24 કલાકમાં કાર્યવાહી ન થાય તો ઉપવાસ પર ઉતરવાની ચીમકી પણ કોળી સમાજના આગેવાનોએ ઉચ્ચારી છે. તો પોલીસનું કહેવું છે કે, ફોન FSLમાં મોકલવામાં આવ્યો છે, FSLના રિપોર્ટ આવ્યા બાદ જ કાર્યવાહી કરાશે.
2 વર્ષથી નોકરી કરતા હતા દયાબેન
નોંધનીય છે કે, દયાબેન જેતપુર પોલીસ સ્ટેશનમાં છેલ્લા 2 વર્ષથી કોન્સ્ટેબલ તરીકે સેવા આપી રહ્યા હતા. તેમણે 6 દિવસ પહેલા પોલીસ લાઈન ક્વાર્ટરમાં આવેલા પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.