રાજકોટમાં 15 વર્ષના સગીરને ચાલુ બાઈકે હાર્ટ એટેક આવ્યો, હૈદરાબાદથી દિવાળી ઉજવવા ઘરે આવ્યો હતો
Rajkot News: રાજ્યભરમાં હાર્ટ એટેકના બનાવોથી ઘણા પરિવારોએ સ્વજનો ગુમાવ્યા છે. દિવાળીના તહેવારમાં પણ એક બાદ એક હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવ્યા હતા. ત્યારે વધુ એક હાર્ટ એટેકનો બનાવ બન્યો છે, જેમાં 15 વર્ષના સગીરનું બાઈક પર જતા સમયે જ મોત થઈ ગયું. રાજકોટના આ ઘટનામાં એકનો એક પુત્ર ગુમાવતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
પિતા સાથે બાઈક પર જતા છાતીમાં દુઃખાવો થયો
વિગતો મુજબ, રાજકોટમાં કોઠારિયા રોડ પર શ્યામ હોલ પાસેની શ્રદ્ધા સોસાયટીમાં રહેતો પૂજન ઠુંમર નામનો 15 વર્ષનો સગીર હૈદરાબાદમાં ગુરુકુળમાં અભ્યાસ કરતો હતો. દિવાળી વેકેશન હોવાથી તે ઘરે આવ્યો હતો. પૂજન સાંજે પિતાના બાઈક પર બેસીને બહાર જઈ રહ્યો હતો. આ દરમિયાન જ તેને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો અને તે બાઈક પરથી નીચે ઢળી પડ્યો હતો. અચાનક પૂજન બેભાન થતા તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી મચી ગઈ હતી.
હૈદરાબાદથી દિવાળી વેકેશનમાં ઘરે આવ્યો હતો
ઘટનાની જાણ થતા માલવીયાનગર પોલીસ સ્ટાફ પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો અને પ્રાથમિક પૂછપરછ કરી હતી. જેમાં જાણવા મળ્યું કે, પૂજન તેના માતા-પિતાનો એકનો એક પુત્ર હતો અને હૈદરાબાદમાં ગુરુકુળમાં ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. હાલમાં દિવાળી વેકેશન ચાલતું હોવાથી તે ઘરે તહેવાર ઉજવવા માટે આવ્યો હતો.
