World Cup 2023: સચિન-દ્રવિડ પર નથી રાખ્યું રચિન રવિન્દ્રનું નામ? પિતાએ કર્યો ચોંકાવનારો ખુલાસો
Rachin Ravindra: ન્યૂઝીલેન્ડનો સ્ટાર બેટ્સમેન રચિન રવિન્દ્ર ICC ODI વર્લ્ડ કપ 2023માં (World Cup 2023) પોતાના બેટથી ધમાલ મચાવી રહ્યો છે. આ 23 વર્ષીય યુવા ખેલાડીએ આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં ત્રણ સદી અને બે અડધી સદી ફટકારી છે. અત્યાર સુધી તેના બેટથી નવ ઇનિંગ્સમાં 70.62ની એવરેજથી 565 રન બનાવ્યા છે. તેને ટુર્નામેન્ટનો ઉભરતો ટેલેન્ટ માનવામાં આવી રહ્યો છે. જ્યાં એક તરફ રચિન પોતાના ઓન ફિલ્ડ પ્રદર્શનથી સમાચારમાં છવાઈ રહ્યો છે તો બીજી તરફ તેણે મેદાનની બહાર પણ પોતાના નામ સાથે નવી હલચલ મચાવી છે.
રચિનનું નામ સચિન-દ્રવિડ પર નથી રખાયું?
રચિનના માતા-પિતાએ તેનું નામ બે મહાન ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો, રાહુલ દ્રવિડ અને સચિન તેંડુલકરના નામ પર રાખ્યું હતું. પરંતુ હવે તેના પિતાએ આ અંગે એક નવો ખુલાસો કર્યો છે. રચિનના પિતાએ કહ્યું છે કે, તેનું નામ જાણીજોઈને સચિન-દ્રવિડના નામ પર રાખવામાં આવ્યું નથી.
રચિનના પિતાએ શું ખુલાસો કર્યો?
રચિનના પિતા રવિ કૃષ્ણમૂર્તિએ ધ પ્રિન્ટ સાથે વાત કરતા આ માહિતી આપી હતી. તેમણે કહ્યું, “જ્યારે રચિનનો જન્મ થયો હતો, ત્યારે મારી પત્નીએ રચિન નામ સૂચવ્યું હતું, અને અમે નામની વધુ ચર્ચા કરી નહોતી. આ નામ સારું લાગ્યું. તેની જોડણી સરળ હતી અને તે ટૂંકી પણ હતી, તેથી અમે નામ એક જ રાખવાનું યોગ્ય માન્યું.”

તેમણે આગળ લખ્યું, “થોડા વર્ષો પછી અમને સમજાયું કે આ નામ રાહુલ અને સચિનના નામનું મિશ્રણ છે. તેથી, તેનું નામ ઇરાદાપૂર્વક રચિન રાખવામાં આવ્યું નહોતું કે અમારે અમારા બાળકને ક્રિકેટર જ બનાવવો છે અથવા એવું કંઈક.
રચિને ન્યૂઝીલેન્ડ માટે સૌથી વધુ રન બનાવ્યા
રચિને વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે. અત્યાર સુધી તેણે ટૂર્નામેન્ટની નવ મેચોમાં 70.62ની એવરેજથી 565 રન બનાવ્યા છે. જેમાં ત્રણ સદી અને બે અડધી સદીનો સમાવેશ થાય છે.
તે ન્યુઝીલેન્ડ માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. હવે તે સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયા માટે માથાનો દુખાવો બનવા જઈ રહ્યો છે. કિવી ટીમ તેના સ્ટાર ખેલાડી પાસેથી વધુ એક શાનદાર પ્રદર્શનની અપેક્ષા રાખશે.