Suratમાં વર્ષના પ્રથમ દિવસે જ કરુણ ઘટના, ટાંકી સાફ કરવા ઉતરેલા 4 શ્રમિકોના ગૂંગળાઈ જતા મોત
Surat News: સુરતમાં નવા વર્ષના પહેલા જ કરુણ ઘટના બની હતી. પલસાણા-કડોદરા રોડ પર રાજહંસ ટેક્સ નામની મિલમાં ટાંકી સાફ કરવા ઉતરેલા 4 શ્રમિકોના ગૂંગળામણ થતા બેભાન થઈ ગયા હતા. આથી તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરાતા કામરેજ ફાયર વિભાગની ટીમ દ્વારા ચારેય શ્રમિકોને બહાર કાઢ્યા હતા અને તપાસ કરતા તમામ મૃત્યુ પામ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
20થી 25 ફૂટ ઊંડી ટાંકીમાં ઉતર્યા હતા મજૂરો
વિગતો મુજબ, પલસાણાના બલેશ્વર ગામની સીમમાં આવેલી કિરણ ઈન્ડસ્ટ્રીઝમાં 20થી 25 ફૂટ ઊંડી ટાંકી આવેલી છે. મંગળવારે બેસતા વર્ષના દિવસે ટાંકીમાં 4 જેટલા શ્રમિકો સફાઈ કરવા માટે ઉતર્યા હતા. જોકે તેમને ગૂંગળામણ થતા ચારેય ટાંકીમાં જ બેભાન થઈ ગયા હતા. આથી ત્યાં હાજર અન્ય લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતી.
પોલીસે સમગ્ર મામલે શું કહ્યું?
સુરત ગ્રામ્ય પોલીસના ડીવાયએસપી ડી.એલ.રાઠોડે જણાવ્યું હતું કે, પલસાણા તાલુકા વિસ્તારના બલેશ્વર ગામની સીમમાં આવેલી કિરણ ઈન્ડસ્ટ્રીઝની ટાંકી કે જેમાં ગંદુ પાણી એકત્ર કરવામાં આવે છે અને પછી તેને શુદ્ધ કરીને બહાર કાઢવામાં આવે છે, તે વર્ષમાં એકવાર સાફ કરવામાં આવે છે. લગભગ 6.30 વાગે સફાઈ કરવા નીચે ઉતરેલા બે મજૂરોના ગેસ ગૂંગળામણથી મોત નિપજ્યા હતા.ત્યારબાદ વધુ બે મજૂરો તેમને જોવા ગયા હતા અને તેઓ પણ મૃત્યુ પામ્યા હતા. આવા કુલ 4 મજૂરોના મોત નિપજ્યા છે અને તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પીએમ માટે હોસ્પિટલ ગયા છે. કંપની દ્વારા જાળવવામાં આવેલા સલામતીનાં પગલાંને ધ્યાનમાં રાખીને વધુ તપાસ કરવામાં આવશે.

નવા વર્ષે જ સ્વજનો ગુમાવતા પરિજનો આઘાતમાં
જે બાદ બારડોલી ફાયર વિભાગ અને કામરેજ ERC ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. શ્રમિકોને ટાંકીમાં ઉતરીને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જોકે તમામ બેભાન હાલતમાં મળ્યા હતા.અને તપાસ કરતા તેમનું મોત થયાનું સામે આવ્યું હતું. નવા વર્ષના દિવસે જ સ્વજનો ગુમાવતા પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. તો ઘટનાને લઈને પોલીસે પણ અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.
(સંજયસિંહ રાઠોડ, સુરત)