Surat News: સુરતમાં ઈન્ટિરિયર ડિઝાઈનર સહિત એક જ પરિવારના 7 સભ્યોનો સામુહિક આપઘાત
Surat Mass Suicide: સુરતમાં દિવાળીના તહેવાર પહેલા જ સામુહિક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. એક જ પરિવારના 7 સભ્યોએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. જોકે પરિવારના સામુહિક આપઘાતનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મોભીએ ફાંસો ખાધો અન્ય સભ્યોએ ઝેરી દવા પીધી
વિગતો મુજબ, સુરતના પાલનપુર પાટીયા વિસ્તારમાં નૂતન રો હાઉસની સામે આવેલા સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા શાંતુભાઈની ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી છે. શાંતુભાઈ ઈન્ટીરીયર ડિઝાઈનરનું કામ કરતા હતા. ઘરમાંથી તેમના ત્રણ પુત્ર, પત્ની અને વૃદ્ધ માતા-પિતાનું પણ ઝેરી પ્રવાહી પીવાના કારણે મોતની આશંકા છે. પ્રાથમિક દ્રષ્ટિએ પરિવારે આપઘાત કર્યો હોવાનું લાગી રહ્યું છે.
પોલીસે આપઘાત મામલે તપાસ શરૂ કરી
બનાવની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. હાલમાં પોલીસ દ્વારા મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બીજી બાજુ પોલીસ દ્વારા પરિવારની આજુબાજુમાં રહેતા લોકોની પૂછપરછ કરીને આપઘાતનું કારણ જાણવા તપાસ કરવામાં આવી રહી છે.

(ઈનપુટ: સંજયસિંહ રાઠોડ)