સુરતમાં જાણીતા બિલ્ડરનો ઓફિસમાં આપઘાતનો પ્રયાસ, વીડિયો બનાવી 4 લોકો સામે કર્યા ગંભીર આક્ષેપ
Surat News: સુરતમાં જાણીતા બિલ્ડરે આપઘાતનો પ્રયાસ કરતા ભારે ચકચાર મચી ગઈ છે. બિલ્ડરે ઓડિયો અને વીડિયો બનાવીને ચાર લોકો સામે ગંભીર આરોપો લગાવ્યા હતા. બાદમાં ઘેનની ગોળીઓ ખાઈ લીધી હતી. જોકે અચાનક બિલ્ડરના મોઢામાંથી ફીણ નીકળવા લાગતા ઓફિસમાં હાજર ભત્રીજાએ સ્ટાફને બોલાવી તેમને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યા હતા. બિલ્ડરે જમીન પ્રકરણ અને વ્યાજના ચક્કરમાં ફસાયા હોવાના કારણે આ પગલું ભર્યાની શંકા છે.
ઓફિસમાં ઊંઘની ગોળીઓ ખાધી
વિગતો, મુજબ, સુરતના જાણીતા કુબેરજી બિલ્ડર ગ્રુપના માલિક નરેશ અગ્રવાલે શુક્રવારે સાંજે પોતાની જ ઓફિસમાં ઊંઘની ગોળીઓનો ઓવરડોજ લઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે બાદ તેમના મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યા હતા. જોકે તેમને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવતા હાલ તેમની હાલત સ્થિર હોવાનું જાણવ મળી રહ્યું છે. જોકે નરેશ અગ્રવાલે અચાનક આપઘાતનો પ્રયાસ કરતા બિલ્ડર લોબીમાં ભારે ચકચાર મચી ગઈ હતી.
વીડિયો બનાવી 4 લોકોને બતાવ્યા જવાબદાર
આપઘાત પહેલા નરેશ અગ્રવાલે એક ઓડિયો અને વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં તેમણે આપઘાત માટે રાજેશ પોદ્દાર, હવાલા કૌભાંડમાં સંડોવાયેલા અફરોઝ ફટ્ટા, છગન મેવાડા અને ઓ.આર ગાંધીને જવાબદાર ગણાવ્યા હતા. વીડિયોમાં તેમણે કહ્યું રાજેશ પોદ્દારે જમીનના દસ્તાવેજ કરીને પૈસા નહોતા આપ્યા, જ્યારે છગન મેવાડાએ તેમની જમીન પચાવી પાડી હતી.
